ધંધૂકા તાલુકાના અણીયાળી ગામે ખેતીવાડી વિભાગે સબસિડીવાળા ખાતરના સંભવિત દુરુપયોગ અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમીના આધારે નાયબ ખેતી નિયામક હિતેશ બાબરીયા, અધિકારી મનીષભાઈ તથા ખેતીવાડી ઇન્સ્પેક્ટર કોમલબેન સ્થાનિક પોલીસની હાજરીમાં સ્થળ પર દરોડો પાડયો હતો.
પ્રાથમિક તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી કે ખેડૂતો માટે સરકાર દ્વારા સબસિડી હેઠળ આપવામાં આવતા ખાતરને ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવાતી સફેદ (વ્હાઇટ) બેગોમાં ભરી તેનો દુરુપયોગ કરી વધુ નફો મેળવવાની કામગીરી ચાલી રહી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી મળેલા શંકાસ્પદ ખાતરના જથ્થા તથા બેગોને ખેતીવાડી વિભાગે સીલ કરી દીધા છે. ઉપરાંત, વ્હાઇટ બેગોમાં રહેલા ખાતરના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ, લેબોરેટરી રિપોર્ટમાં જો આ ખાતર ખેડૂતો માટેનું સબસિડીવાળું ખાતર હોવાનું પુરવાર થશે, તો જવાબદારો સામે સંબંધિત કાયદા અને નિયમો મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વિભાગે ખેડૂતોને પણ અપીલ કરી છે કે સબસિડીવાળા ખાતરના દુરુપયોગ અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક ખેતીવાડી વિભાગને જાણ કરી કૃષિ હિતોની સુરક્ષામાં સહયોગ આપે.










