અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા, ધોળકા, બાવળા, સાણંદ, વિરમગામ, માંડલ, દેત્રોજ અને દસ્ક્રોઈ સહિતના તમામ તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વ પરંપરાગત રીતે શ્રાદ્ધા, અકીદત અને ગમગીન માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો.
મોહરમ નિમિત્તે કર્બલાના શહીદ હઝરત ઇમામ હુસૈન (અ.સ.) તથા તેમના સાથીદારોના અદ્વિતીય બલિદાનને યાદ કરીને વિવિધ વિસ્તારોમાં મજલિસો, માતમી જુલૂસ, દુઆ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અકીદતમંદોએ શ્યા હુસૈનશ્ના નારા સાથે શાંતિપૂર્ણ રીતે માતમ મનાવી કર્બલાના શહીદોને ભાવભીની શ્રાદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધંધુકા પંથકમાં ધંધુકા શહેર, પડાણા, રોજકા, ઉમરગઢ, બાજરડા સહિતના ગામોમાં મુસ્લિમ બિરાદરોએ મહોરમ પર્વ નિમિત્તે માતમ પાળ્યું હતું. વિવિધ ગામોમાં નીકળેલા વિશેષ માતમી જુલૂસ, કલાત્મક તાજિયા અને ઝરી અકીદતમંદો તેમજ સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં લોકો જુલૂસમાં જોડાયા હતા અને કર્બલાના શહીદોને શ્રાદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર જિલ્લામાં મહોરમના પ્રસંગે કોમી એકતા, ભાઈચારો અને સૌહાર્દનું સુંદર વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસ દરમિયાન સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે તમામ ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન થયા હતા. મહોરમ પર્વ સત્ય, ન્યાય, ત્યાગ અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે. કર્બલાનું બલિદાન આજે પણ સત્ય માટે અડગ રહેવાની અને અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે.










