ધંધુકા રેલવે સ્ટેશન ખાતે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે બનાવવામાં આવેલ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંડરપાસમાં ઘણી વખત લાઇટની પણ યોગ્ય વ્યવસ્થા રહેતી નથી. અંધારામાં પાણી ભરાયેલ હોવાને કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે અકસ્માતનો ભય સતત રહે છે. પાણીમાં લપસી પડવાની શક્યતા વધતાં મુસાફરોમાં ચિંતા વ્યાપી છે. મુસાફરોનું કહેવું છે કે રેલવે વિભાગ દ્વારા અંડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેમજ કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. ઉપરાંત અંડરપાસમાં પૂરતી લાઇટનીસુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી મુસાફરો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. સ્થાનિકો અને મુસાફરોએ રેલવે વિભાગને આ સમસ્યાને ગંભીરતાથી લઈ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી વરસાદી મોસમમાં મુસાફરોને પડતી મુશ્કેલીઓનો અંત આવે.
