અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં એક સામાન્ય બાબતમાંથી ઉપજેલો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી યુવાનની હત્યા સુધી પહોંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. વધુમાં મળતી માહિતી મુજબ, ધર્મેશ ગમારા અને અન્ય એક યુવક વચ્ચે બાઇક ઓવરટેક કરવા મુદ્દે પ્રથમ બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો ઉગ્ર બની મારામારીમાં પરિણમ્યો અને એક યુવકે યુવાન પર છરી વડે હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે શહેરમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. કેટલાક અસામાજિક તત્વોએ પરિસ્થિતિનો લાભ લઈ ધંધૂકા શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં આગ લગાવવાની અને તોડફેડ કરવાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ મોટીસંખ્યામાં અધિકારીઓ તેમજ પોલીસ જવાનોનો કાફલો ધંધૂકા શહેરમાં તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે અને નાગરિકોને શાંતિ જાળવવા તથા અફ્વાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Vadodara: જરોદ વડોદરા ટોલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવારનું મોત









