ધંધૂકા શહેરની શાન ગણાતા પુનિતબાગ હાઈવે પર હાલમાં રિનોવેશનના ભાગરૂપે નવી દીવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ, આ નિર્માણકાર્ય દરમિયાન એક ચોંકાવનારી અને તંત્રની પોલ ખોલતી ઘટના સામે આવી છે.

એક તરફ્ મજૂરો દ્વારા દીવાલના એક છેડાનું ચણતર કામ ચાલુ હતું, ત્યારે બીજી તરફ્ અગાઉ બનાવેલો બીજો છેડો અચાનક તૂટી પડયો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે જે દીવાલનું ફાઉન્ડેશન તૂટી પડયું છે, તેને બન્યાને હજુ 24 કલાક પણ થયા નથી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે આશ્ચર્ય સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

24 કલાકમાં જ કામગીરી ધરાશાયી થતાં વપરાતા મટિરિયલ અને કામની ગુણવત્તા સામે લોકમુખે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તેમજ સ્થાનિકોના જણાવ્યા મુજબ સદર મામલે ગુણવત્તાની તપાસ, નિર્માણધીન કામમાં વપરાતા સિમેન્ટ અને અન્ય મટિરિયલના ધોરણોની તાત્કાલિક તપાસ કરવામાં આવે.ધંધૂકા માટે પુનિતબાગ એક મહત્ત્વનું સ્થળ હોય, તેના રિનોવેશનનું કામ વેઠ ઉતારવાને બદલે મજબૂત અને ટકાઉ બનાવવામાં આવે. અને નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર કે જવાબદારો સામે યોગ્ય પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન સર્જાય. ધંધૂકા શહેરની પ્રજા ઈચ્છી રહી છે કે તંત્ર આ બાબતે ત્વરિત ધ્યાન આપે અને પુનિતબાગનું નવિનીકરણ ઉચ્ચ ગુણવત્તા સાથે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો