ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર મંગળવારે અલગ-અલગ સ્થળોએ બનેલા બે અકસ્માતોમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે અન્ય અકસ્માતમાં પિકઅપ વાહનના ચાલકનું મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રથમ અકસ્માત બાવળિયારી ગામ નજીક ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો હતો. કાર અને કેરી વાહન વચ્ચે અથડામણ થતાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતમાં બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

બીજો અને ગંભીર અકસ્માત પીપળી ટોલ પ્લાઝા નજીક બન્યો હતો. હાઈવે પર આગળ જઈ રહેલી ટ્રક પાછળ પિકઅપ વાહન ધડાકાભેર ઘૂસી જતાં પિકઅપનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે પિકઅપના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને અકસ્માતોને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, જેને બાદમાં પોલીસ દ્વારા સુચારુ કરવામાં આવ્યો હતો.