ધંધૂકા : શ્રાવણ માસના પવિત્ર પ્રથમ સોમવાર નિમિત્તે ભડીયાદ ખાતે આવેલા રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભક્તિ અને સેવાભાવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. બાળકો તથા યુવા ગ્રુપ દ્વારા ભગવાન મહાદેવનો આશરે ત્રણસો મણ શાકભાજી તેમજ ફળોથી અનોખો શૃંગાર કરવામાં આવ્યો હતો. શાકભાજીથી સજાવાયેલા મહાદેવજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠયું હતું અને હર હર મહાદેવના જયઘોષ સાથે શ્રાદ્ધાળુઓએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શૃંગાર પૂર્ણ થયા બાદ આ શાકભાજી જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો તેમજ યુવા ગ્રુપના બાળકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
