બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામમાંથી આજે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ-૮ માં અભ્યાસ કરતી બે માસૂમ બાળાઓનું અજાણ્યા શખ્સો દ્વારા ઇકો ગાડીમાં અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.

ચાર બાળા ખેતર નજીક રમતી હતી

મળતી વિગતો મુજબ ચાર બાળાઓ શાળાએથી છૂટીને ઘરે આવ્યા બાદ બપોરે ૧૧ થી ૧૨ વાગ્યાના અરસામાં ખેતર નજીક રમી રહી હતી. આ દરમિયાન રોડ પરથી પસાર થતા એક વાહનનો અવાજ સાંભળી બાળાઓને લાગ્યું કે કોઈ કુલ્ફી કે બરફવાળો આવ્યો હશે, જેથી તેઓ કુતુહલવશ રોડ તરફ દોડી ગઈ હતી.

બે માસૂમ બાળાઓને બળજબરીપૂર્વક ગાડીમાં ખેંચી લીધી

આ સમયે ત્યાં ઓચિંતી જ એક 'ઇકો' ગાડી આવી ચઢી હતી અને તેમાં સવાર અજાણ્યા શખ્સોએ બે માસૂમ બાળાઓને બળજબરીપૂર્વક ગાડીમાં ખેંચી લીધી હતી. અપહરણકર્તાઓ પળવારમાં જ ગાડી પૂરપાટ ઝડપે ચારડા તરફ હંકારીને ફરાર થઈ ગયા હતા.

તત્કાળ પોલીસ કાફલો પહોંચ્યો

ઘટનાની જાણ થતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તાજેતરમાં જ ધાનેરા પી.આઈ.ની બદલી થતા ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ઇન્ચાર્જ પી.આઈ. બારડ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 જિલ્લાભરમાં નાકાબંધી 

 પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્રએ જનતાને અપીલ કરી છે કે જો કોઈને શંકાસ્પદ ઇકો ગાડી દેખાય તો તુરંત જાણ કરે.


આ પણ વાંચો---     Gujarat BJPનો માસ્ટરપ્લાન, ભાજપના નવા 'ક્રાઇટેરિયા' એ અનેક મોટા માથાઓની ઊંઘ ઉડાડી, CECની બેઠકમાં થયા આ કડક નિર્ણયો