ધાનેરા તાલુકાના ધાખા ગામના રોડ પર આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ઘી અને તેલ સહિતનો કરિયાણાનો જથ્થો ભરીને જઈ રહેલી એક ગાડીના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ગાડી રોડ પર પલટી મારી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગાડી પલટી ખાતાની સાથે જ તેમાં ભરેલા ઘી અને તેલના ડબ્બાઓ રોડ પર ફ્ંગોળાઈને પટકાયા હતા. ડબ્બાઓ તૂટી જવાથી મોટી માત્રામાં ઘી અને તેલ રોડ પર ઢોળાઈ ગયું હતું, જેના કારણે વેપારીને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતા આસપાસના રહીશો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે, આ અકસ્માતમાં ગાડીના ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી, જેથી મોટી જાનહાની ટળી હોવાનો હાશકારો અનુભવાયો હતો. અકસ્માતના પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
