ધાનેરા તાલુકાના થાવર ગામે ગૌમાતા અને નંદી પર અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા એસિડ નાખવાની અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. મુક પશુઓ પર થયેલા આ ક્રૂર અત્યાચારના પગલે ગ્રામજનો અને ગૌભક્તોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ મામલે થાવર ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક અને કડક કાયદાકીય કદમ ઉઠાવવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રામજનો દ્વારા પંચાયત સમક્ષ છ મુદ્દાનું માંગણીપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, ગ્રામ પંચાયત દ્વારા તાકીદે વિશેષ બેઠક બોલાવી આ કૃત્યની નોંધ લેવામાં આવે તેમજ પોલીસ વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવે. તપાસમાં જે પણ વ્યક્તિ જવાબદાર સાબિત થાય તેની સામે કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી થાય તેવો સત્તાવાર ઠરાવ કરવામાં આવે. સાથે જ સ્પષ્ટતા કરાઈ છે કે કોઈ નિર્દોષ હેરાન ન થાય પરંતુ ગુનેગાર બચે નહીં તે જરૂરી છે. ઈજાગ્રસ્ત ગૌમાતા અને નંદીને તાત્કાલિક ધોરણે પશુચિકિત્સક દ્વારા યોગ્ય સારવાર અને સુરક્ષા પૂરી પાડવામાં આવે. ભવિષ્યમાં આવી અમાનવીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગામમાં પશુઓની સુરક્ષા અંગે કાયમી અને અસરકારક આયોજન કરવામાં આવે. દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી સમગ્ર થાવર ગામની માંગ છે.
