સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ધાનેરા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી વસાવવામાં આવેલી કચરા નિકાલની મશીનરી હાલ ધાનેરા ડમ્પિંગ સાઈટ પર બિનઉપયોગી અને કંગાળ હાલતમાં પડી હોવાનું સામે આવ્યું છે. ડમ્પિંગ સાઈટ પર સ્થાપિત કરવામાં આવેલી આ મશીનરી અંદાજે 1 કરોડ 70 લાખ રૂપિયાની કિંમતની હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, આ મશીનરી જે સ્થળે ઇન્સ્ટોલ કરવામાં આવી છે ત્યાં કોઈ જવાબદાર એન્જિનિયર દ્વારા સાઈટ વિઝિટ કરવામાં આવી ન હોવાની ચર્ચા છે. નિયમ મુજબ મશીનરી નીચે આરસીસી (RCC) સ્લેબ હોવો જરૂરી છે, પરંતુ તેના બદલે સિમેન્ટની સામાન્ય ઇંટો ગોઠવીને કામ ચલાવી લેવામાં આવ્યું છે.આશ્ચર્યની વાત તો એ છે કે આ 1.70 કરોડના પ્રોજેક્ટનું 50 ટકાથી વધુ બિલ પણ ચૂકવી દેવામાં આવ્યું છે, પરંતુ સાઈટ પરની વાસ્તવિક પરિસ્થિતિ જોતા આ સમગ્ર મામલે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા કોંગ્રેસ અગ્રણી અને નગરપાલિકા સદસ્ય જય સોલંકી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો