ધાનેરા શહેરમાં ગાયત્રી મંદિર નજીક આવેલી વર્ષો જૂની જગ્યા પર હવે પૂજ્ય વરેનાથ બાપજીના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેને લઈ આજે વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. લોકવાયકા અને ઇતિહાસ મુજબ, વર્ષો પહેલાં જ્યારે ધાનેરા ગામની સ્થાપના કરવામાં આવી ત્યારે પૂજ્ય વરેનાથ નામથી જાણીતા તપસ્વીની હયાતી અને આશીર્વાદ સાથે ધાનેરા ગામનું તોરણ બાંધવામાં આવ્યું હતું. આ પ્રસંગને આજે અંદાજિત 728 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. પૂજ્ય વરેનાથ બાપજીએ જૂના ધાનેરા વિસ્તારમાં સમાધિ લીધી હતી. ત્યારબાદ પરચા રૂપે જ્યાં હાલ ગાયત્રી મંદિર આવેલું છે, તે વિસ્તાર અગાઉ ઊંડા તળાવ તરીકે જાણીતો હતો, ત્યાં પ્રજાપતિ સમાજના વડીલને પગલા રૂપે દર્શન આપ્યા હતા. અગાઉ નાની ડેરી અને ત્યારબાદ નાના મંદિરના નિર્માણ બાદ હવે અહીં ભવ્ય મંદિરના નિર્માણની શુભ શરૂઆત થઈ છે. આજના પ્રસંગે જાણીતા શાસ્ત્ર્રી ત્રંબકેશ્વર મહારાજ દ્વારા વિધિવત મંત્રોચ્ચાર અને જાપ સાથે હવન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભૂમિપૂજન વિધિ સંપન્ન કરી પગલા રૂપી શિવલિંગની મૂર્તિ લેવામાં આવી હતી. આ પ્રસંગે ગાયત્રી યુવક મંડળના પ્રમુખ ભીખાભાઈ પુરોહિત, ગાયત્રી પરિવારના પ્રમુખ બાબુભાઈ ચૌધરી તેમજ ઓડ સમાજના આગેવાન વીરભણભાઈ, દેવરણભાઈ સહિતના સમાજના અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
