ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે આવેલી પૌરાણિક, ઐતિહાસિક અને ચમત્કારિક જગ્યા શીતોળા ધોરા ખાતે દેવદિવાળીના પવિત્ર પર્વે ભક્તિનો ભવ્ય મહામેળો ભરાયો હતો. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ યોજાયેલા આ મેળામાં ધાનેરા સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. પરંપરા મુજબ, જગ્યાની નજીક આવેલા વાલેર, વોડા અને રામપુરા મોટા- આ ત્રણ ગામોના ગ્રામજનો અને ભક્તો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે વાજતે-ગાજતે પદયાત્રા યોજીને નેજા સાથે શીતોળા ધોરા ખાતે પહોંચ્યા હતા. અહીં પૂજ્ય સુંદરપુરી મહારાજના દિવ્ય પગલાં સમક્ષ નેજાનો સ્પર્શ કરાવી નિજ મંદિર પર નેજા ચઢાવવામાં આવ્યા હતા. મંદિર પર એક પછી એક નેજાનું આગમન થતા વર્તમાન મહંત સુખદેવપુરી મહારાજે સામે ચાલીને ભક્તિભાવપૂર્વક નેજાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભક્તો દ્વારા મહંતશ્રીનું વિશેષ પૂજન પણ કરવામાં આવ્યું હતું.
