ગીર પૂર્વના ધારી વન વિભાગ હેઠળ આવતી સરસિયા રેન્જમાં એક સગર્ભા સિંહણના મોતને લઈને વન વિભાગની ઘોર બેદરકારી અને આડોડાઈ સામે આવી છે. લાઠી વિસ્તારની લુવારિયા વીડીમાં તરસ અને બીમારીથી પીડાતી ગર્ભવતી સિંહણ બે દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે જંગ લડતી રહી, પરંતુ સ્થાનિક સ્ટાફને તેની ગંધ સુધ્ધાં આવી નહોતી. આખરે સિંહણના કરુણ મોત બાદ જાગેલા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક તપાસના આધારે મોટી કાર્યવાહી કરી છે. ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરીયાની તાત્કાલિક અસરથી પાલીતાણા રેપિડ ફોર્સ ખાતે બદલી કરી દેવામાં આવતા વનકર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ફોરેસ્ટર ધારી હેડક્વાર્ટર પર રહેવાને બદલે અપડાઉન કરતા
આ સમગ્ર મામલે જૂનાગઢના સી.એફ.રામ રતન નાલાએ સિંહણના મોતના કારણો અને સ્ટાફની નિષ્ક્રિયતા બાબતે સ્થાનિક એ.સી.એફ.ને કડક તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જવાબદાર ફોરેસ્ટર ધારી હેડક્વાર્ટર પર રહેવાને બદલે બહારથી અપડાઉન કરતા હતા, જેને કારણે વન વિસ્તારમાં પેટ્રોલિંગનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો.













