અમદાવાદ - ભાવનગર એક્સપ્રેસ વે રોડ પર ધોલેરા નજીક ચાંદની હોટેલ પાસે રવિવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન બાઈક સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
વધુમાં મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે ધોલેરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ધોલેરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ રોડ ઓથોરિટીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફ્કિ વ્યવસ્થા સંભાળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાતા આ વિસ્તાર હવે એક પ્રકારનું એક્સિડન્ટ ઝોન બની ગયો છે. માત્ર છેલ્લા એક અઠવાડિયામાં જ આ જ સ્થળે ચાર જેટલી અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે. અગાઉ અહીં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત ભાવનગર ડી.એસ.ઓ.ની કાર અને થાર વચ્ચે ટક્કર થયાની ઘટના પણ સામે આવી હતી. તેમજ એક કાર અને ટ્રક વચ્ચે પણ અકસ્માત સર્જાયો હતો. આમ સતત અકસ્માતોની ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે અને માર્ગ સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી રહી છે.










