અમદાવાદ ગ્રામ્યના ધોળકા પંથકમાં થોડા દિવસો પહેલાં કેનાલ નજીકથી મળી આવેલી મહિલાના સળગેલી હાલતમાં મળેલા મૃતદેહના રહસ્યમય ગુનાનો ધોળકા પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. આ ચકચારી મર્ડર કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, પત્નીના ચરિત્ર પર શંકા રાખીને તેના સગા પતિએ જ અત્યંત ક્રૂરતાપૂર્વક આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કડીઓ જોડીને હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે અને કાનૂની ગાળિયો મજબૂત કરવા વધુ તપાસ હાથ ધરી છે.


અડધી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ધોળકાના વાસણા ગામ પાસેથી પસાર થતી કેનાલ નજીકથી એક અજાણી મહિલાનો અડધી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી જ્યારે લાશની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા, ત્યારે માલૂમ પડ્યું કે મૃતક મહિલા ચલોડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. શિક્ષિકાની ભાળ મળતાં જ પોલીસે તેના કૌટુંબિક બેકગ્રાઉન્ડની તપાસ શરૂ કરી હતી.

શંકાના આધારે હત્યા

પોલીસની આકરી પૂછપરછમાં ભાંગી પડેલા પતિએ આખરે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે, પત્નીના ચરિત્ર પર તેને સતત શંકા રહેતી હતી, જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. આ જ શંકાના વહેમમાં તેણે પત્નીની નિર્મમ હત્યા કરી નાખી અને પાપ છુપાવવા તથા ઓળખ ન થાય તે હેતુથી વાસણા ગામ પાસે કેનાલ પર લાશને સળગાવી દીધી હતી. જો કે, કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નથી. ધોળકા પોલીસે હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી કે મદદગારી છે કે નહીં તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.



આ પણ વાંચો----    Gujarat Latest News live : મોરબીમાં સરકારી હોસ્પિટલમાં કલેક્ટરનું આકસ્મિક ચેકિંગ, સ્ટાફમાં દોડધામ

  • Follow us on: