ધોળકા તાલુકાના બદરખા ગામમાં છેલ્લા 15 દિવસથી સતત વરસાદી પાણી ભરાયેલા રહેતા સમગ્ર ગામનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ગામના અનેક વિસ્તારોમાં પાણી ઓસરવાનું નામ ન લેતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામની ગ્રામ પંચાયત પાસે, પ્રાથમિક શાળા, સરકારી ડેરી તેમજ સરકારી હોસ્પિટલ જેવા મહત્વના વિસ્તારોમાં પણ કેડ સમા પાણી ભરાઈ ગયા છે. પ્રાથમિક શાળામાં પાણી ભરાતા શાળા બંધ કરવાની ફ્રજ પડી છે. જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર પડી છે. પાણીના ભરાવાને કારણે 18 પરિવારોને પોતાના ઘરો છોડીને ગામની શાળામાં આશરો લેવાનો વારો આવ્યો છે. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીનો સામાન પલળી નાશ પામ્યો છે. સ્થાનિકોના વધુમાં જણાવ્યા મુજબ, છેલ્લા 15 દિવસ વીતી ગયા હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોનું દૈનિક જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત કોઈપણ જવાબદાર તંત્રએ અત્યાર સુધી ગામની મુલાકાત લીધી નથી. સરપંચ દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. શાળામાં આશ્રાય લીધેલા પરિવારોને માત્ર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ભોજનની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. ગામના શિવલહેરી ગ્રુપ દ્વારા અત્યાર સુધી આ પરિવારોને બે ટાઈમ દાળ-ભાત અને કઢી-ખીચડી પૂરી પાડવામાં આવી રહી છે. સમગ્ર પરિસ્થિતિને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકર ડયા પ્રકાશસિંહ નટવરસિંહ સહિતના ગ્રામજનો દ્વારા જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ગામમાં પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનો દ્વારા અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત અને સહાય પહોંચાડવા તેમજ ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર આવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
