ધોળકા રૂરલ વિસ્તારમાં અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરતાં આશરે રૂ. 1.04 કરોડથી વધુ કિંમતનો 700 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડયો છે. ટ્રકની તલાશી દરમિયાન 36 કોથળામાં ભરેલો ગેરકાયદે નશાકારક પદાર્થનો જથ્થો મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જિલ્લા ગ્રામ્ય SOGની ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે ધોળકા રોડ પરએક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતાં અંદરથી 36 જેટલા કોથળામાં ભરેલો આશરે 700 કિલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 1 કરોડ 4 લાખ 50 હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે નશાકારક પદાર્થના જથ્થા ઉપરાંત આશરે રૂ. 20 લાખની કિંમતની ટ્રક, મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂ 1.54 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી નશાકારક પદાર્થોની હેરાફેરી કરતા તત્ત્વોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, પોષડોડાનો આ મોટો જથ્થો મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હતો અને તેને કચ્છ તરફ્ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી ટ્રકના માલિક ભેરારામ તરડ, રહે. બાડમેર, રાજસ્થાનની અટકાયત કરી છે. હવે SOGપોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કેમધ્યપ્રદેશમાંથી આ જથ્થો કોણે મોકલ્યો હતો અને કચ્છમાં કોને પહોંચાડવાનો હતો અને આ નશાકારક પદાર્થની હેરાફેરી પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરી છે. ધોળકા રોડ પર પોષડોડાના આટલા મોટા જથ્થાની પકડથી નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે. હવે તપાસમાં આ નશાના કારોબારના અન્ય કડીઓ બહાર આવે છે કે નહીં તે જોવું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો