ધોળકા તાલુકામાં સતત ત્રણ દિવસ સુધી પડેલા ભારે વરસાદને કારણે શહેરના કલિકુંડ, મઘીયા સહિત અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી ગઈ છે અને રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રાસદ ચોકડી નજીક પૂરી દેવાયેલા કાંસને તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબીની મદદથી ખુલ્લો કરવામાં આવ્યો, જેના કારણે પાણીનો નિકાલ શરૂ થયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ NDRF, SDRF અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ધોળકાની ધવલ સોસાયટીમાંથી 126 લોકો, ત્રાસદ ગામમાંથી 95 લોકો, ડૉ. બી. આર. આંબેડકર કન્યા છાત્રાલયમાંથી 45 દીકરીઓ અને 2 સ્ટાફ્ તેમજ મફ્લીપુરમાંથી 11 લોકોનું સફ્ળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કુલ 279 નાગરિકોને બોટ મારફ્તે સલામત સ્થળે ખસેડયા હતા.
આ ઉપરાંત ધોળકા તાલુકાના ભેટાવાડા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લગભગ 100 ઘરોમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જ્યારે આશરે 20 જેટલા મકાનો ધરાશાઈ થયા છે. ગામના તમામ ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ અને ઘરવખરીને નુકસાન થયું છે તેમજ ખેતી અને પશુધનને પણ ભારે અસર પહોંચી છે. ત્રણ દિવસ બાદ પણ પાણી ઓસર્યું નથી, જેના કારણે સ્થાનિક લોકો તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે. વરસાદ હાલ બંધ થયો હોવા છતાં ધોળકામાં અનેક વિસ્તારોમાં પાણી હજુ સુધી ઓસર્યું નથી. નીચાણવાળા વિસ્તારોના ઘરો અને બેસમેન્ટોમાં પાણી ભરાયેલા રહેતા લોકો પરેશાન છે. વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે, કારણ કે દુકાનોમાં પાણી ઘૂસી જતા માલસામાન બગડી ગયો છે. લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાઈવે પર કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાઈ થયા છે. સાથે જ નેટવર્ક ખોરવાઈ જતાં કર્મચારીઓ ટાવર સુધી પહોંચી નેટવર્ક પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યા છે. વરસાદ બંધ થતા વેપારીઓ દુકાનો સાફ્ કરવા લાગ્યા છે, જ્યારે ટ્રેક્ટર પંપની મદદથી બેસમેન્ટમાંથી પાણી કાઢવાની કામગીરી ચાલુ છે. છતાં ઘણી જગ્યાએ સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી વહેલી તકે અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
