ધોળકા વિભાગમાં દારૂબંધીના ગુનાઓને નેસ્તનાબૂદ કરવા કોઠ પોલીસ દ્વારા હાથ ધરાયેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન ભંગારની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વટામણ ચોકડી સર્કલ પરથી પીકઅપ બોલેરો ગાડીમાંથી બિયરના 3,000 ટીન સહિત કુલ રૂ. 5.78 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો છે. ધોળકા પોલીસને મળેલી બાતમીના આધારે તા. 18મી ઓગસ્ટે સવારે વટામણ ચોકડી સર્કલ ખાતે વોચ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન પીકઅપ બોલેરો વાહન નંબર HR-84-7890ને અટકાવી તપાસ કરતાં ભંગારની આડમાં વિદેશી બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 3,000 સીલબંધ ટીન બીયર, જેની કિંમત રૂ. 3,77,480 છે, ઉપરાંત પીકઅપ વાહન, ભંગારની પતરાની તિજોરી, બે ફ્રીઝ, વિન્ડો એસીનું બોક્સ, મોબાઇલ ફેનસહિત કુલ રૂ. 5,78,340નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લાના ચીરવા તાલુકાના દુદાવા ગામના બીરસિંગ ગુગનરામ મેઘવાલને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે હરિયાણાના બુઢેરી ગામના કિશન રામચંદરને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
