ધોળકા તાલુકાના ધોળી ગામે આવેલી પ્રીમિયર સ્પિનટેક્સ પ્રા. લિ. કંપનીમાં તા.24મીએ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણસર અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કંપનીના બીજા માળે આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગે ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની જાણ થતાં જ ધોળકા પાલિકાની ફાયરબ્રિગેડ સહિત ચિરિપાલ કંપનીની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ્, કંપની દ્વારા ફોર્કલિફ્ટ વાહનની મદદથી વધારાનો માલસામાન બહાર હટાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

આગની તીવ્રતા વધતા કંપનીના ગોડાઉન સુધી આગ ફેલાઈ ગઈ હતી અને ત્યાં રાખેલ રૂ સળગવાનું શરૂ થતાં ધુમાડો વધુ ઘાટો બની ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા ધોળકા પાલિકા અને ચિરિપાલ કંપનીની સાથે બાવળા પાલિકાની વધારાની ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઘણી જહેમત અને લાંબા સમયની કામગીરી બાદ ફાયર ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે બનાવમાં કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી, પરંતુ આગથી મોટું આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.