ધોળકા ખાતે આવેલા એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ઇકો વાન ચાલકે જાહેરમાં હંગામો મચાવતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની વધુમાં મળતી માહિતી મુજબ, એસ.ટી. બસના ડ્રાઇવર અને ઇકો વાનના ચાલક વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાતચીત થોડી જ વારમાં તણાવપૂર્ણ બની જતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન આવેશમાં આવેલા ઇકો ચાલકે હાથમાં દંડો લઈને બસ ડ્રાઇવરને મારવા માટે મુસાફરોની ભીડ વચ્ચે દોડ લગાવી હતી. આ દ્રશ્યોને કારણે બસ સ્ટેન્ડ પર હાજર મુસાફરોમાં અફ્ડાતફ્ડી મચી ગઈ હતી અને લોકો સુરક્ષિત સ્થળે જવા દોડયા હતા. જાહેર સ્થળે આ પ્રકારની ઘટનાએ એસ.ટી. ડેપોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં તંત્ર વિરુદ્ધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ધોળકા એસ.ટી ડેપો દ્વારા તાલુકા ગ્રામ્યમાં શહેર ખાતેથી એસટી બસ રૂટોની સમાંતર દોડતા ખાનગી શટલ વાહનોનું સંચાલન બંધ કરાવવા બાબતે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈને લેખિત રજૂઆત કરાઈ છે. જ્યારે ધોળકા બસ સ્ટેન્ડની આજુબાજુમાંથી મઘીયા તથા પાર્શ્વનાથ હોસ્પિટલ બાજુ જતાં રસ્તા પરથી દબાણો હટાવવા બાબતે પાલિકા ચીફ્ ઓફ્સિરને પણ રજૂઆત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો