કોઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શિહોરીપુરા ગામે એક ખેતરમાં મોટાપાયે માટી ખનન થઈ રહ્યું છે. ગામની જમીનમાં હિટાચી મશીન દ્વારા 9થી 10 ફૂટ સુધી ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. સરકારી તિજોરીને મોટું નુકશાન થઈ રહ્યું છે. તેમ છતાં સબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને માટી ભરેલા ઓવરલોડ ડમ્પર દિવસ-રાત બેફામ અવરજવર કરી રહ્યા છે. માટી ભરેલા ભારે ડમ્પરોના કારણે કોઠ, શિહોરીપુરા ગામે જવાનો માર્ગ સંપૂર્ણ રીતે ખખડધજ બની ગયો છે. રોડની હાલત એટલી બગડી ગઈ છે કે સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ખાસ કરીને શિહોરીપુરાથી કોઠ, અરણેજ, બેગવા રોડ પર ઓવરલોડ ડમ્પરો માતેલા સાંઢની જેમ દોડતા હોવાથી નાના વાહનચાલકો માટે અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે માટી ભરેલા ડમ્પર પર કોઈ કાર્પેટ કે કવર બાંધવામાં આવતું નથી. પરિણામે ચાલતી વખતે ધૂળ ઉડતી રહે છે અને બાઇક સવારોની આંખોમાં ધૂળ પડવાથી ગંભીર અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ સમગ્ર મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું કોઈ ખાનગી જમીન કે ખેતરમાં આટલા ઊંડાણ સુધી ખોદકામ કરવાની મંજૂરી લેવામાં આવી છે? કે પછી કોઈ મંજૂરી વગર જ ગેરકાયદેસર રીતે માટી ખનન થઈ રહ્યું છે ? કોઠ, અરણેજ, બેગવા રોડ પર બેફામ દોડતા આ ઓવરલોડ ડમ્પરો કોઠ પોલીસને કે તંત્રને કેમ નજરે પડતા નથી ? કે પછી ભૂમાફ્યિાઓને હવે તંત્રનો ડર રહ્યો નથી ? તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે. અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અને લગતા-વળગતા તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર માટી ખનન તથા ઓવરલોડ ડમ્પરો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠવા પામી છે.










