ધોળકા શહેરમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર જીવલેણ બન્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ધોળકા GIDC વિસ્તારમાં રખડતા આખલાએ હુમલો કરતાં ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા આશરે 50 વર્ષીય રાજીવ રત્ન રામખીલાવનનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હોવાનું પોલીસ નોંધમાં સામે આવ્યું છે. આખલો એટલી હદે ઘાતકી હતો કે આધેડને શિંગડામાં ભરાવીને વારંવાર ઉલાળીને નીચે પડકતો રહ્યો. શરીરમાં ઠેર ઠેર શિંગડા ઘુસાડી દીધાં. આધેડનું મોત થઈ ગયા બાદ પણ આખલો તેને ઉલાળતો અને રગદોડતો રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, 23 ઓગસ્ટની રાત્રે આશરે 8 વાગ્યે ધોળકા GIDC ખાતે સનવેજ રોહતો ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ કંપની નજીક આવેલા ચાર રસ્તા પાસે રાજીવ રત્ન રામખીલાવન પોતાની નોકરી પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન આખલાએ તેમને ઉછાળીને નીચે પાડી દીધા હતા. ત્યાર બાદ વારંવાર તેને ઉછાળીને નીચે પડકતો રહ્યો હતો. વારંવાર શિંગડામાં ભરાવીને ઉછાળતી વખતે કેટલીયે વખતે આખલાના શિંગડા આધેડના શરીરમાં ઊંડે સુધી ઘુસી ગયાં હતા. આખલાના હુમલામાં માથા, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ ધોળકા શહેરમાં રખડતા ઢોરની ગંભીર સમસ્યા સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે અગાઉ પણ અકસ્માતો અને લોકો ઈજાગ્રસ્ત થયાના બનાવો સામે આવતા રહ્યા છે. તેમ છતાં સમસ્યાના કાયમી અને અસરકારક નિરાકરણ અંગે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ધોળકા નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરે જ્યારે ચાર્જ સંભાળ્યા બાદ રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક કામગીરી કરવાની અને ટૂંકા સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત કરી હતી. જોકે, સમય પસાર થવા છતાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે હુમલો કરનાર આખલાને હડકવા જેવી સ્થિતિ થઈ હોવાની ચર્ચા છે, જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હુમલો કરનાર આખલાનું પણ બાદમાં મોત નીપજ્યું હતું. હવે શહેરમાંથી રખડતા ઢોરને તાત્કાલિક પકડી યોગ્ય સ્થળે ખસેડવા, જોખમી આખલાઓ પર નિયંત્રણ લાવવા અને આવી જીવલેણ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક અને નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. એક જીવ ગયા બાદ હવે તંત્ર ખરેખર જાગશે કે પછી વધુ કોઈ નિર્દોષનો જીવ ગયા બાદ કાર્યવાહી થશે? આ સવાલ હવે ધોળકાના નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો