ધોળકા શહેરને તાજેતરમાં ધમરોળનાર ભારે વરસાદ તેમજ ઉપરવાસના પાણીથી કુલ મૃત્યુ આંક છ પર પહોંચી ચૂક્યો છે. આ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ધોળકા શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ વચ્ચે વધુ એક દુર્ઘટનાએ લોકોમાં શોકની લાગણી ફેલાવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી અગાઉ પાંચ લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે હવે વધુ એક વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, શિવાલિક સોસાયટીમાં રહેતા ચિંટુભાઈ અનિલભાઈ સોલંકી(ઉંમર 43 વર્ષ) વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાના થોડા સમય બાદ સોસાયટી નજીકના વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ધોળકા ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ધોધમાર વરસાદ અને પાણીના ઘેરાવને કારણે ધોળકા શહેરમાં જનજીવન પર ભારે અસર પડી છે. સતત વધી રહેલા મોતના આંકને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે અને લોકોમાં ભય તથા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો