ધોળકા તાલુકામાં બનેલી હત્યાની ગંભીર ઘટનાનો ભેદ ધોળકા રૂરલ પોલીસ દ્વારા ઝડપી રીતે ઉકેલવામાં આવ્યો છે. પત્નીની હત્યા કરીને મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરનાર આરોપી પતિને પોલીસે ઝડપી પાડયો છે. તા. 3/06/2026ના રોજ ધોળકા તાલુકાના ચલોડા ગામ નજીક, ચલોડા-કેલીયાવાસણા તરફ્ જતી નર્મદા કેનાલ પાસે અવાવરૂ જગ્યાએ અર્ધબળેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ ચલોડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી અને મૂળ બદરખા ગામની રહેવાસી રીનાબેન બળદેવભાઈ ઝાલા તરીકે થઈ હતી. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાની આગેવાની હેઠળ ધોળકા રૂરલ પોલીસ, સર્વેલન્સ સ્ક્વોડ અને એલસીબી ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતકના પતિ બળદેવભાઈ ટોયાભાઈ ઝાલાને શંકાના આધારે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર આરોપી અંતે પોલીસની સઘન પૂછપરછ સામે ભાંગી પડયો અને ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ કબૂલ્યું કે તે ખાત્રીપુર ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને પત્ની સાથે વસ્તી ગણતરીના કામે નીકળ્યો હતો. ચલોડા નજીક નર્મદા કેનાલના સુમસાન રસ્તા પર પત્નીને લઈ જઈ માથામાં પથ્થરથી ઘા મારી તેની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહની ઓળખ છુપાવવા માટે પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘરે જઈ પત્ની ગુમ થઈ હોવાનો નાટક કરીને પોલીસમાં અરજી પણ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: