ધોળકા તાલુકાના સરગવાળા ગામેGSPLગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ખેડૂતોની મંજૂરી અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના ખેતરોમાં ગેસ પાઇપલાઇન નાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો અને મહિલાઓએ ખેતરમાં જ ધરણાં યોજી કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ એકત્રિત થયા હતા. આ દરમિયાન જે સ્થળે ગેસ પાઇપલાઇન નાખવા માટે ખાડો કરવામાં આવ્યો હતો ત્યાં ખેડૂતો અને મહિલાઓએ જાતે પાવડા ઉપાડીને ખાડો પૂરવાની કામગીરી કરી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય વળતર ચૂકવ્યા વિના અને ખેડૂતોની સંમતિ લીધા વગર પોલીસ બંદોબસ્ત સાથે બળજબરીપૂર્વક પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ્ ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફટી નીકળ્યો હતો.આ દરમિયાન ખેડૂતો,GSPLનાઅધિકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પથ્થરમારો થતાં પોલીસ કર્મચારીઓ તેમજ કંપનીના વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બનાવમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં બ્રિજરાજભાઈ રાજુભાઈ સોલંકી, રહે. ભાવનગર, સુરેશભાઈ કાનાભાઈ મકવાણા, વિક્રમભાઈ નરશીભાઈ રાઠોડ, રામજીભાઈ ગાંડાભાઈ મકવાણા, ઠાકરશીભાઈ લલજીભાઈ મકવાણા, પ્રતાપભાઈ મગનભાઈ સોલંકી તેમજ બાબુભાઈ પરષોતમભાઈ સોલંકી( તમામ રહે. સરગવાળા, તા.ધોળકા)નો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો