ધોળકા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ભયાનક તાંડવ મચાવ્યું છે. છેલ્લા થોડા સમયમાં પડેલા ભારે વરસાદે શહેરમાં 16 ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ધોળકાની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને કલિકુંડ સહિતના વિસ્તારોમાં તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરમાં રહેલી જીવન જરૂરી વસ્તુઓ અને ઘરવખરી પલળી ગઈ છે, જેને કારણે રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રોડ-રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અને હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી જેમાં અમદાવાદ ધોળકા હાઈવે, ધોળકા બાવળા અને ધોળકા ખેડા હાઈવે બંધ કરવો પડયો હતો. કેટલાક સ્થળોએ તો પાણીના જોરદાર પ્રવાહમાં વાહનો તણાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે. સ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને ટ્રેક્ટરોની મદદથી લોકોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સાથે જ સાબરમતી નદીના કાંઠે વસતા ગામડાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરોડા, અંધારી, ગાણેસર, આંબલિયારા, વિરપુર, વટામણ, સાથળ, ગીરાંદ, રામપુરા, સહિજ, વિરડી, આનંદપુરા, ઈગોલી, ચંડીસર, પીસાવડા, કોદાલીયાપુરા, વૌઠા અને ગાણોલ સહિતના ગામોનો સમાવેશ થાય છે. હાલ પણ ધોળકામાં વરસાદ યથાવત રહ્યો છે. જેના કારણે સ્થિતિ વધુ વિકટ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અતિ ભારે વરસાદ ના કારણે કોઈ પણ ગામ મા કે નીચાણ વાળા વિસ્તાર મા પાણી ભરવાની સમસ્યા હોય અને લોકો સ્થળાંતર કરવા પડયા હોય તેમની માટે ધોળકા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ની પ્રેરણાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી સીમેજ, રામપુરા અને કોઠ ગામ તરફ્થી મદદરૂપ કામગીરી હાથ ધરાઈ છે. જ્યાં જરૂરિયાતમંદ લોકો અને જેમના ઘરવખરી સંપૂર્ણપણે પલળી ગઈ છે એવા લોકોને ખીચડીનું ભોજન આપવામાં આવી રહ્યું છે. આ સેવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી ટ્રેક્ટર-ટ્રોલીઓ દ્વારા લોકો ધોળકા પહોંચી માનવતાની મિસાલ પૂરું પાડી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો