ધોળકા શહેરના કલિકુંડ વિસ્તારમાં આવેલ ક્કહરી જ્વેલર્સક્રમાં રૂ. 10.68 કરોડના ઠગાઈ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા ઝડપાયેલા પિતા-પુત્ર આરોપી ધનશ્યામ સોની અને યશ ધનશ્યામ સોનીને તપાસના ભાગરૂપે સોમવારે કલિકુંડ સ્થિત શોરૂમ ખાતે પંચનામા માટે લાવવામાં આવ્યા હતા. આરોપીઓને શોરૂમ ખાતે લાવવામાં આવ્યા હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સલામતીના કારણોસર પોલીસે પંચનામાની જરૂરી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીઓને પરત ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
