અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક આવેલા વૌઠા ગામના ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના જાણીતા લોકમેળાઓમાં સ્થાન ધરાવતા વૌઠાના મેળાનું આયોજન આગામી તા. 20 નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન છ દિવસ માટે કરવામાં આવ્યું છે. કારતક અગિયારસથી પૂનમ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, વેપારીઓ અને મુલાકાતીઓ ઉમટી પડવાની શક્યતા છે. વૌઠા ગામની વિશેષતા એ છે કે અહીં સાબરમતી, ખારી, મેશ્વો, વાત્રક, શેઢી, માઝુમ અને હાથમતી એમ સાત નદીઓનો પવિત્ર સંગમ થાય છે. આ પવિત્ર સંગમસ્થાને આવેલા ચકલેશ્વર મહાદેવના દર્શન કરવા તેમજ નદીઓના સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે દર વર્ષે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ધાર્મિક આસ્થા, લોકસંસ્કૃતિ, પરંપરા અને વેપારનો અનોખો સમન્વય ધરાવતા આ મેળાની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ધાર્મિક અને પરંપરાગત આકર્ષણોની સાથે મનોરંજન માટે પણ મેળામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ચકડોળ, બ્રેકડાન્સ, ચકેડી, મોતનો કૂવો સહિતની વિવિધ રાઈડ્સ અને મનોરંજનના સાધનો મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ખાણીપીણીના વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે, જેના કારણે છ દિવસ સુધી મેળામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળશે. મેળાના આયોજન અંતર્ગત વેપારીઓ માટે સ્ટોલ અને પ્લોટની હરાજીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. અંદાજે 800 જેટલા ખાણીપીણીના સ્ટોલમાંથી રૂ. 80 લાખની આવક થવાનો અંદાજ છે. રમતગમત વિભાગમાંથી રૂ. 1.60 લાખ તથા કોર્નર પ્લોટની હરાજીમાંથી આશરે રૂ. 50 લાખની આવક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મેળાનું અંદાજિત આર્થિક આયોજન રૂ. 2.80 કરોડ જેટલું હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો