ધોળકા તાલુકાના સરગવાળા ગામે તાજેતરમાં GSPLદ્વારા ગેસ પાઇપલાઇન નાંખવાની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ ખેતરમાં ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં ખેડૂતોએ પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા ખાડાને પાવડા હાથમાં લઈ જાતે જ પૂરી દીધા હતા. આ ઘટનાને પગલે પોલીસે બ્રીજરાજ સોલંકીને ડિટેઇન કરાતાં મામલો ગરમાયો હતો. ખેડૂતો, મહિલાઓ, પોલીસ સ્ટાફ અનેGSPLના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન પોલીસની ગાડીઓ, પોલીસકર્મચારીઓ તેમજ GSPL ના અધિકારીઓ તરફ્ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી બ્રિજરાજ સોલંકી સહિત 7 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને અગાઉ બાવળા કોર્ટમાંરજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તા.26મીએ તમામને ધોળકા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ પરિસરમાં ખેડૂતો અને મહિલાઓ મોટીસંખ્યામાં ઉમટી પડયાં હતાં. ધોળકા કોર્ટ ખાતે ઉપસ્થિત ખેડૂતોએ GSPLગેસ પાઇપલાઇનના મુદ્દે ખેડૂતો અને બ્રિજરાજ સોલંકી સામેનોંધાયેલા કેસોમાંથી ખોટી કલમો દૂર કરવામાં આવે તેમજ ધરપકડ કરાયેલા તમામ લોકોને જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. ખેડૂતોએ સરકારને ચીમકી આપતાં વધુમાં જણાવ્યું હતું કે જો ખેડૂતોની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આગામી તા. 29 મી નવેમ્બરે વટામણ ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજવામાં આવશે. એટલું જ નહીં, જરૂર પડશે તો રસ્તા બ્લોક કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી પણ વધુમાં ઉચ્ચારવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો