ધોળકામાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કરતી વધુ એક સમસ્યા સામે આવી છે. શહેરમાં ખેડા-બગોદરા હાઇવે રોડ પર શ્રીમતી આર.ડી. શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી વી.ડી. શાહ કોમર્સ કોલેજના મુખ્ય ગેટ પાસે ગટરના ગંદાં પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ મેળવવા કોલેજ પહોંચતા વિદ્યાર્થીઓને જ ગંદકી અને દુર્ગંધ વચ્ચે અવરજવર કરવાની ફરજ પડી રહી છે. પરિસ્થિતિ એવી છે કે કોલેજના મુખ્ય ગેટ પાસે પાણી ભરાયેલું હોવાથી વિદ્યાર્થીઓને બાજુમાં આવેલી શાળાના ગેટનો સહારો લઈને કોલેજમાં પ્રવેશ કરવો પડે છે. આ સમસ્યા માત્ર એકાદ દિવસની નથી. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય દ્વારા ધોળકા નગરપાલિકાને આ સમસ્યાના નિરાકરણ માટે વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. કોલેજના આચાર્ય દ્વારા પાલિકાને પાઠવવામાં આવેલા સ્મૃતિપત્રમાં જણાવ્યા મુજબ, સામાન્ય વરસાદમાં પણ કોલેજના મુખ્ય ગેટની અંદર અને બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. પરિણામે કોલેજના પ્રવેશદ્વાર પાસે ગંદકી અને દુર્ગંધની સમસ્યા સર્જાય છે. કોલેજના મુખ્ય ગેટની બાજુમાં જ ટ્રાન્સફોર્મર આવેલું હોવાથી પાણીના ભરાવાને પગલે શોર્ટસર્કિટ થવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. પાણી ભરાવાને કારણે રસ્તાના ખાડા દેખાતા નથી અને વિદ્યાર્થીઓના વાહનો લપસી જવાની શક્યતા રહે છે. શૈક્ષણિક સંસ્થાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ આવી સ્થિતિ હોવા છતાં સમસ્યાનું નિરાકરણ કેમ આવતું નથી, તેવો સવાલ ઉઠી રહ્યો છે. કોલેજ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં ગટરલાઇનની સફાઈ અને પાણીના નિકાલ માટે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આજદિન સુધીમાં કોઈ પ્રકારની કાયમી વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે.
