ધોળકા તાલુકાના કૌકા ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં મીઠાઈ ખાધા બાદ 40થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અસરગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી તાત્કાલિક ધોરણે ગામની હાઈસ્કૂલમાં કામચલાઉ સારવાર કેન્દ્ર શરૂ કરવાની ફરજ પડી હતી.
લગ્ન પ્રસંગમાં 'મીઠાઈ' પડી ભારે
મળતી માહિતી મુજબ, કૌકા ગામે વ્હોરા મુસ્લિમ સમાજમાં લગ્ન પ્રસંગ હતો. આ દરમિયાન રીત-રિવાજ મુજબ સામસામે મીઠાઈ વહેંચવાની રસમ ચાલી રહી હતી. આ મીઠાઈ આરોગ્યાના થોડા જ સમયમાં મહેમાનો અને ગ્રામજનોને ઉલટી-ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં અસરગ્રસ્તોનો આંકડો 40ને પાર કરી ગયો હતો.
તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
ઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય વિભાગ અને ઇમરજન્સી સેવાઓ હરકતમાં આવી હતી. ધોળકા અને વટામણથી પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દર્દીઓની સંખ્યા વધુ હોવાથી તેમને સ્થાનિક હાઈસ્કૂલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં વટામણ અને ધોળકા અર્બન હેલ્થ સેન્ટરના તબીબોએ સ્થળ પર જ સારવાર શરૂ કરી દીધી હતી. જે લોકોની સ્થિતિ વધુ ખરાબ હતી તેમને વધુ સારવાર માટે ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દૂષિત મીઠાઈ અંગે શંકા
સ્થાનિક સ્તરે એવી પ્રબળ ચર્ચા છે કે પ્રસંગમાં પીરસાયેલી મીઠાઈમાં કોઈ ખામી અથવા દૂષિતતા હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.
આ પણ વાંચો: સસ્તા સોનાની લાલચ આપી 29 લાખની ઠગાઈ, LCBએ બે ભેજાબાજોને 24 લાખની રોકડ સાથે દબોચ્યા