ધ્રાંગધ્રા એપીએમસીની ટર્મ પુર્ણ થયા બાદ દોઢ વર્ષ બાદ ચૂંટણી જાહેર થતા ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિતના વિવિધ જ્ઞાતીના ઉમેદવારોએ ફોર્મ ભરતા હવે બિનહરીફ થાય એવું નથી લાગતુ ત્યારે ઉમેદવારોનો રાફડો ફાટતા નવા જૂનીના એંધાણ વર્તાઇ રહયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા એપીએમસીની ચૂંટણી છેલ્લા બે ટર્મથી બિનહરીફ થતી હતી ત્યારે હાલ ટર્મ પુર્ણ થયા બાદ દોઢ વર્ષ સુધી ચૂંટણી જાહેર કરાઇ નહોતી.તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પુર્ણ થયા બાદ તુરંત જ ચૂંટણી જાહેર થતા અનેક લોકો થનગની રહયા હતા અને ચૂંટણી જાહેર થતા ભાજપની પેનલ સામે કોંગ્રેસ અને અપક્ષ સહિતના ઉમેદવારોએ એક જ દિવસે ફોર્મ ભરતા નવાજૂનીના એંધાણ વર્તાઇ રહયા છે.પુર્વ મંત્રી આઇ.કે.જાડેજા,ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા અને જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઇ પટેલની હાજરીમાં ભાજપના વેપારી પેનલમાં ચાર ડાયરેકટર સામે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં ત્રણ પાટીદાર યુવાનોએ ફોર્મ ભરતા બિનહરીફ થાય છે કે પછી પાટીદારો અંદરો અંદર લડે છે એની સામે સૌ નજર માંડી બેઠા છે.જ્યારે ખેડૂત પેનલમાં 10 ડાયરેકટર સામે મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા ભરેલા ફોર્મમાંથી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી કેટલા ફોર્મ પરત ખેંચાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો