સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે રહેતા કાળુભાઈ ધીરૂભાઈ ભાટીયાને બાવળીયાના ચમન કનુભાઈ ઠાકોરે તેમને ફોન કરી તું પોલીસ કેમ મારી બાતમી આપે છે તેમ કહી જીવા ગામે માતાજીનો દીવો ઉપાડવા બોલાવ્યા હતા. આથી કાળુભાઈ ભાટીયા તેમની સાથે જયેશભાઈ ભરતભાઈ ચૌહાણ, ડ્રાઈવર લાલા ભરતભાઈ દેકાવડીયા અને નાગરાજસિંહ વાઘુભા ભાટીયાને લઈ હુન્ડાઈ એક્ષ્ટર કારમાં જીવા જતા હતા. ત્યારે નારીચાણા-જસાપરના રસ્તે કેનાલ પાસે બ્લુ કલરની સ્વીફટ કાર ઉભી હતી. જેની પાસે ચમન ઠાકોર, વિષ્ણુ કુકાભાઈ દેત્રોજા, વિશાલ કુકાભાઈ દેત્રોજા અને મેહુલ બાજુભાઈ રાણેવાડીયા ઉભા હતા. આ શખ્સોએ લાકડી, ધારીયા અને છરી વડે હુમલો કરી કાળુભાઈ, જયેશભાઈ અને નાગરાજસિંહને ઈજાઓ પહોચાડી હતી. આ બનાવમાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે શ્રીજી હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે ચારેય સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ બી.જે.સોલંકી ચલાવી રહ્યા છે.
