બનાસકાંઠા જિલ્લાના ડીસા રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં રિઝર્વેશન કરાવવા માટે લાંચ માગતા લાંચિયા કલાર્કને એસીબી એ ઝડપી પાડયો હતો. જેમાં એક ટ્રેન યાત્રિકને દિલ્લી જવાની તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરવા માટે રેલ્વેમાં ચીફ બુકિંગ કલાર્ક તરીકે ફરજ બજાવતા રેલ્વે કર્મીએ રૂ.500 ની લાંચ માંગતા યાત્રીએ એસીબીનો સંપર્ક કરતા પાલનપુર લાંચ રૂશ્વત વિભાગની ટીમે ડીસા રેલ્વે સ્ટેશન પર બુકિંગ ઓફિસમાં છટકું ગોઠવીને આરોપીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યો હતો. ડીસાના રેલ્વે સ્ટેશન પર બુકિંગ ઓફિસમાં એક મુસાફર દિલ્લી જવાની તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરાવવા જતા અહીં ફરજ બજાવતા ચીફ બુકિંગ કલાર્ક તરીકે વર્ગ-3 ના કર્મચારી સુરેશ રામુજી સોલંકીએ આ મુસાફર પાસે તત્કાલ રિઝર્વેશન કરવાની અવેજ પેટે રૂ.500 ની લાંચ માંગી હતી જોકે આ મુસાફર લાંચની રકમ આપવા માંગતો ન હોય તેને એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરતા પાલનપુર એસીબી પીઆઈ એલ.એસ.ચૌધરીએ તેમની ટીમ સાથે ડીસા રેલ્વે સ્ટેશન પર બુકિંગ ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું જેમાં આરોપી ચીફ બુકિંગ કલાર્ક સુરેશ સોલંકી ફરિયાદી પાસેથી રૂ.500 ની લાંચ સ્વીકારતા તેને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
