દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ-ખંભાળિયા હાઈવે પર આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જામ રોજીવાડા ગામ પાસે પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

જામ રોજીવાડા પાસે સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, કાર ભાણવડ તરફથી ખંભાળિયા જઈ રહી હતી, ત્યારે જામ રોજીવાડા નજીક આ અકસ્માત સર્જાયો હતો. કારની ગતિ મધ્યમ હોવા છતાં ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારને મોટું નુકસાન પહોંચ્યું છે. કારના આગળના ભાગે અને બોડીમાં નોંધપાત્ર ભંગાણ જોવા મળ્યું હતું.

સદનસીબે જાનહાનિ ટળી

આ અકસ્માતમાં સૌથી રાહતના સમાચાર એ છે કે, કાર પલટી મારી હોવા છતાં ચાલક કે અન્ય મુસાફરોને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. સદનસીબે મોટી જાનહાનિ ટળતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તુરંત મદદ કરી હતી અને ચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો.

હાલમાં માર્ગ પર પલટી ગયેલી કારને હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતોને પગલે વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Dwarka News: આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગ, સલાયાના વહાણ પર હુમલો, એક ખલાસીનું મોત, 17નો બચાવ