પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. દ્વારકાના મુખ્ય બસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા વાલ્મિકી આવાસ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
કેબિનમાં એકાએક આગ ભભૂકી ઉઠી
મળતી માહિતી મુજબ, વાલ્મિકી આવાસ પાસે આવેલા એક ઇલેક્ટ્રિક ટાવરની નજીક રહેલી કેબિનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કેબિનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આ વિસ્તાર બસ સ્ટેશનની નજીક હોવાથી ત્યાં સતત લોકોની અવરજવર રહેતી હોય છે, જેના કારણે આગ જોતા જ લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી.
અફડાતફડીનો માહોલ સર્જાયો
આગ લાગવાના સ્થળની નજીક જ ઇલેક્ટ્રિક ટાવર હોવાથી મોટી દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને તંત્રને જાણ કરી હતી. સદનસીબે, આગ વધુ ફેલાય તે પહેલા તેના પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા.
આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આ ઘટનાને કારણે બસ સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી તણાવભર્યો માહોલ રહ્યો હતો.
આ પણ વાંચોઃ Surat: ઘરકંકાસનો લોહીયાળ અંજામ, પત્નીએ કરી પતિની નિર્મમ હત્યા