દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાંથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લાની એસઓજી (SOG) પોલીસે એક ગુપ્ત બાતમીના આધારે ખાણ-ખનીજ વિભાગને સાથે રાખીને પટેલકા ગામે વ્યાપક દરોડા પાડ્યા હતા. આ આકસ્મિક ઓપરેશન દરમિયાન તંત્રએ ઘટનાસ્થળેથી ગેરકાયદેસર ખનન કરાયેલો કરોડો રૂપિયાનો ખનીજ જથ્થો અને ભારે મશીનરી ઝડપી પાડી ભૂમાફિયાઓમાં ફફડાટ મચાવી દીધો છે.


પાસ-પરમીટ વિના ચાલતું ગેરકાયદેસર ખનન ઝડપાયું

જામ ખંભાળિયાના પટેલકા ગામના એક વાડી વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પાસ-પરમીટ વિના મોટા પાયે ગેરકાયદેસર ઉત્ખનન ચાલી રહ્યું હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. આ અહેવાલોના પગલે એસઓજી પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે સંકલનમાં રહીને તે વાડી વિસ્તારમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓએ ઘટનાસ્થળેથી વગર મંજૂરીએ ખોદકામ કરીને એકત્ર કરાયેલો 25 હજાર મેટ્રિક ટન જેટલો હાડ મોરમ અને બ્લેક ટ્રેપ (કાળા પથ્થર)નો મસમોટો જથ્થો રંગેહાથ પકડી પાડ્યો હતો.

6 ટ્રેક્ટર અને 2 જેસીબી સહિત કરોડોનો મુદ્દામાલ સીઝ

તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીમાં ઘટનાસ્થળેથી 25 હજાર મેટ્રિક ટન ખનીજના જથ્થાની સાથે-સાથે ખનન કાર્યમાં રોકાયેલા 6 ટ્રેક્ટર અને 2 જેસીબી (JCB) મશીનો પણ કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 1,75,60,000 (એક કરોડ પંચોતેર લાખ સાઠ હજાર)ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને સીઝ કરવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ ખાણ-ખનીજ વિભાગ દ્વારા સોંપવામાં આવી છે, જેને પગલે સ્થાનિક ખનીજ ચોરો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: