દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયામાં રખડતા કૂતરાનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. જામ ખંભાળીયા શહેરના બંગલાવાડી વિસ્તારમાં એક હિંસક કૂતરાએ ઘરના આંગણામાં રમી રહેલી 2 વર્ષની માસૂમ બાળકી પર હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ હુમલામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને બચાવવા ગયેલા વૃદ્ધ દાદાને પણ શ્વાને શિકાર બનાવ્યા છે.


માસૂમ બાળકી પર હિંસક હુમલો

ઘટનાની મળતી માહિતી અનુસાર, બંગલાવાડી વિસ્તારમાં 2 વર્ષની બાળકી હિરલ પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. આ સમયે એક રખડતા કુતરાએ અચાનક હિરલ પર હુમલો કરી તેને માથાના અને ગળાના ભાગ અને ચહેરા પર બચકા ભરી લીધા હતા. બાળકીની ચીસો સાંભળીને તેને છોડાવવા માટે તેના દાદા દોડી આવ્યા હતા. જોકે, હિંસક કૂતરાએ તેમને પણ છોડ્યા ન હતા અને પગના ગોઠણના ભાગે ગંભીર બચકા ભર્યા હતા.

હોસ્પિટલમાં સારવાર અને ગંભીર ઈજા

માસૂમ હિરલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને માથાના ભાગે 9 જેટલા ટાંકા આવ્યા છે. હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ, તેના દાદાને પણ ઈજાઓ પહોંચી હોવાથી તેમને પણ સારવાર આપવામાં આવી છે. એક નાનકડી બાળકી પર થયેલા આ હુમલાને પગલે પરિવારના સભ્યો આઘાતમાં સરી પડ્યા છે.




તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં આક્રોશ

જામ ખંભાળીયામાં રખડતા કૂતરાઓની વધતી જતી સંખ્યા અને આતંકથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે, અનેક રજૂઆતો છતાં પાલિકા કે વહીવટી તંત્ર દ્વારા આ કૂતરાઓને પકડવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. લોકોમાં હવે એવો ભય વ્યાપ્યો છે કે, બાળકોને ઘરની બહાર મોકલવા પણ જોખમી બની ગયા છે. સ્થાનિકોએ તાકીદે કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ઉગ્ર માગ કરી છે.


આ પણ વાંચો - Jam Khambhaliya: રિક્ષા અને પિકઅપ સામસામે અથડાતા પ્રૌઢાનું કરુણ મોત, 5 ઘાયલ


  • Follow us on: