કલ્યાણપુરના દુધિયા ગામના વાડી વિસ્તારમાં રસ્તા બાબતે કુટુંબીજનો વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. આ ડખ્ખાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સામાન્ય બોલાચાલી લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા કુટુંબીજનોએ 42 વર્ષીય દેવાણંદ વરૂ નામના યુવક પર કુહાડી, લોખંડના પાઇપ અને લાકડી જેવા જીવલેણ હથિયારો વડે બેફામ હુમલો કર્યો હતો.
સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દેવાણંદભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર કારગત નીવડે તે પહેલા જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો અને નાના એવા દુધિયા ગામમાં શોક સાથે ચકચાર મચી ગઈ હતી.
