પશ્ચિમ ભારતનાં પ્રખ્યાત યાત્રાધામ દ્વારકા નગરીમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ (જન્માષ્ટમી) પર્વને ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દ્વારકા નગરીને આકર્ષક રોશનીથી શણગારવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
છેલ્લા 25 વર્ષથી ચાલતી આવતી અનોખી પરંપરા મુજબ, આ વર્ષે પણ મેગા લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. આયોજન અંતર્ગત 150 ફૂટ ઊંચો વિશાળ કેબલ સસ્પેન્શન બ્રિજ, મુખ્ય મંદિર પરિસર, ગોમતી નદીના ઘાટ અને આસપાસના નાના મંદિરોને નયનરમ્ય રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ ઉપરાંત, લાઈટિંગ ડેકોરેશનની વિસ્તૃત કામગીરીમાં દ્વારકાધીશ મંદિરથી લઈને દેવસ્થાન સમિતિ સંકુલ સુધી, ગોમતી ઘાટમાં 15 ફૂટ અંદર સુધી તેમજ ગોમતી ઘાટથી પંચનદ તીર્થ સુધીના સમગ્ર માર્ગ પર ઝગમગતી રોશની પાથરવામાં આવશે.
ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં આવેલા પ્રાચીન સ્તંભો, કમાનો તેમજ ગર્ભગૃહની ઉપર આવેલા 2535 ફૂટ ઊંચા ભવ્ય શિખર પર પણ વિવિધ રંગોની ફૂલો અને લાઈટોની વિશેષ સજાવટ નથવાણી પરિવારના સહયોગથી કરવામાં આવનાર છે. આગામી તારીખ 2, 3, 4 અને 5 સપ્ટેમ્બર એમ ચાર દિવસ સુધી સમગ્ર દ્વારકા નગરી આ દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠશે. જન્માષ્ટમીના પાવન અવસરે દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આ અદભુત રોશનીનો શણગાર અને દર્શન એક અલૌકિક અને દિવ્ય અનુભૂતિ કરાવશે.
દ્વારકામાં જન્માષ્ટમી આડે ગણતરીના દિવસો જ બાકી હોવા છતાં અત્યારથી લોકોમાં હરખની હેલી ચડી છે. પાંચ હજાર વર્ષ વીતી જવા છતાં પણ લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેનો ભાવ અને રસ ઓછા થયા નથી. લાલાને વધાવવા માટે અત્યારથી દરેક ઘરોમાં તૈયારીઓ ચાલી રહી છે. જન્માષ્ટમીએ ઝુલામાં કાનાને હિંચોળવામાં આવશે. માખણ અને મિશ્રી ધરાવવામાં આવશે. પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવશે. નંદ ઘેર આનંદ ભયોના ગગનભેદી નાદ સાથે આઠમની ઉજવણી કરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો