દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાંથી કાયદો અને વ્યવસ્થાની રખેવાળી કરતી પોલીસ પ્રણાલીને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓખામાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ જ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.


પરિણીતાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ 

મળતી વિગતો અનુસાર, આરોપી પોલીસકર્મીએ પીડિત પરિણીતા સાથે અગાઉ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવી પોલીસકર્મીએ પરિણીતા સાથે મુલાકાતો વધારી હતી. જોકે, જ્યારે પરિણીતાએ તેની સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું, ત્યારે પોલીસકર્મીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું.

વીડિયો અને ફોટાના જોરે અત્યાચાર

આરોપી પોલીસકર્મીએ પરિણીતાના જૂના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ ધમકીના જોરે તેણે પરિણીતાને વારંવાર હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહી

પોલીસકર્મીના સતત ત્રાસથી કંટાળીને અંતે પીડિતાએ હિંમત ભેગી કરી ઓખા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, જે પોલીસ મથકે આરોપી ફરજ બજાવતો હતો, ત્યાં જ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ આરોપી વિરુદ્ધ કડક તપાસના આદેશ આપ્યા છે. હાલમાં પોલીસે આરોપી પોલીસકર્મી વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat Budget 2026: બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 4314 કરોડની માતબર ફાળવણી

  • Follow us on: