દ્વારકામાં યોજાયેલી એક ધાર્મિક રેલી દરમિયાન રૂપેણ બંદર પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેલીમાં સામેલ કેટલાક લોકોએ જાહેર માર્ગ અવરોધી રાખ્યો હોવાથી, ફરજ પરના પોલીસ અધિકારીઓએ વાહનો સાઈડમાં લેવા માટે સૂચના આપી હતી. આ સામાન્ય સૂચના બાદ ટોળું અચાનક ઉશ્કેરાઈ ગયું હતું અને પોલીસ સાથે ગેરવર્તન કરી બોલાચાલી શરૂ કરી હતી.
પોલીસ ચોકીમાં તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી
મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આટલેથી ન અટકતા, ટોળાએ રૂપેણ બંદર પોલીસ ચોકીમાં ઘૂસીને તોડફોડ કરી હતી, જેમાં અંદાજે 22 હજાર રૂપિયાનું સરકારી નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી, જેના કારણે પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ હતી.
પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ, વીડિયો વાયરલ
વણસતી જતી પરિસ્થિતિ અને ટોળાને વિખેરવા માટે પોલીસે અંતે કડક પાઉં ઉપાડ્યું હતું. સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ફાયરિંગના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
નામજોગ આરોપીઓ સામે ગુનો દાખલ, તપાસ તેજ
આ હિંસક ઘટના અંગે દ્વારકા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે અશ્વિન વાઘા, કાના વાઘા, દેવુ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક અને કનૈયાભા ધનાભા માણેક સહિતના શખ્સો તેમજ અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા BNS (ભારતીય ન્યાય સંહિતા) ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો