દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રખડતા શ્વાનોનો ત્રાસ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. ભાણવડના ખરાવડ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય મજૂર પરિવારના પાંચ વર્ષના માસૂમ બાળકને શ્વાને બચકું ભરતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રખડતા પ્રાણીઓના મેનેજમેન્ટ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

રમત-રમતમાં કાળનો પંજો ત્રાટક્યો

મૃતક બાળકની ઓળખ વિરાજ ઠાકરે (ઉંમર 5 વર્ષ) તરીકે થઈ છે. વિરાજ તેના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકને શરીરના નાજુક ભાગે ગંભીર રીતે બચકું ભરી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ માસૂમ વિરાજે દમ તોડી દીધો હતો.

પરિવારમાં શોકનું મોજું અને સ્થાનિકોમાં રોષ

પોતાના વતનથી અહીં મજૂરી કામ અર્થે આવેલા પરિવાર માટે આ આઘાત સહન કરવો મુશ્કેલ બન્યો છે. પાંચ વર્ષના વહાલસોયા પુત્રના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં રખડતા શ્વાનોના વધતા જતા હુમલાઓને રોકવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો