ICC T20 ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાના શાનદાર વિજય બાદ સમગ્ર ગુજરાતમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદ, ભાવનગર અને વલસાડ જેવા શહેરોમાં ક્રિકેટ રસિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જીતનો ભવ્ય જશ્ન મનાવ્યો હતો.


અમદાવાદ અને ભાવનગરમાં જોવા મળ્યો જશ્નનો માહોલ

અમદાવાદમાં ભારતની જીત થતા જ ક્રિકેટ પ્રેમીઓએ આકાશી આતશબાજી કરી હતી અને હાથમાં તિરંગો લહેરાવી 'ભારત માતા કી જય'ના નાદથી વાતાવરણ ગુંજવી દીધું હતું. બીજી તરફ, ભાવનગરમાં પણ ક્રિકેટનો ક્રેઝ પરાકાષ્ઠાએ જોવા મળ્યો હતો. શહેરના કુંભારવાડા, રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ અને આતાભાઈ ચોક જેવા વિસ્તારોમાં લોકોએ ઢોલ-નગારાના તાલે ગરબે ઘૂમીને જીતની વધામણી આપી હતી.

વલસાડમાં લોકોએ રસ્તા પર આવી ઉજવણી કરી

દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ જીતનો ઉત્સાહ ઓછો નહોતો. વલસાડના આઝાદ ચોક અને ટાવર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રસ્તા પર ફટાકડા ફોડીને ક્રિકેટ ચાહકોએ હર્ષોલ્લાસ સાથે ભારતની જીતની ઉજવણી કરી હતી. આ વિજય બાદ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રભક્તિ અને રમત પ્રત્યેના પ્રેમે અનોખો સંગમ સર્જ્યો હતો. ભારતની ટીમે પાકિસ્તાન સામે મેળવેલી આ શાનદાર સફળતાને કારણે લોકોએ મોડી રાત સુધી વિજય સરઘસો કાઢ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: