સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આજે વહેલી સવારે એક ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલા યાર્ન વેસ્ટેજના (ભંગાર) ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી.

યાર્ન વેસ્ટેજને કારણે આગ ઝડપથી પ્રસરી

ગોડાઉનમાં યાર્ન વેસ્ટેજ અને ભંગારનો જથ્થો હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે તે જોતજોતામાં બાજુમાં આવેલા એક ગેરેજ સુધી પહોંચી ગઈ હતી. ગેરેજમાં રહેલી જ્વલનશીલ વસ્તુઓએ પણ આગ પકડતા સ્થિતિ વધુ ગંભીર બની હતી.

3 ટેમ્પો બળીને ખાખ

આ આગની સૌથી વધુ અસર ગેરેજમાં રિપેરિંગ માટે આવેલા વાહનો પર થઈ હતી. ગેરેજમાં ઉભેલા ૩ ટેમ્પો આગની ચપેટમાં આવી ગયા હતા અને જોતજોતામાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. વાહન માલિકો અને ગેરેજ સંચાલકને આ અકસ્માતમાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ સુમિલોન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલકતને વ્યાપક નુકસાન થયું છે. હાઇવે પર ગોડાઉન હોવાથી ધુમાડાના કારણે વાહનચાલકોને પણ થોડો સમય મુશ્કેલી પડી હતી.

આ પણ વાંચો: Surat: શિપિંગ એજન્ટ બનીને ચીનથી માલ મંગાવવાની લાલચ આપી ઠગાઈ, સુરત સાયબર ક્રાઇમે અમદાવાદના ભેજાબાજને દબોચ્યો