કચ્છના ગાંધીધામ વિસ્તારમાં ભૂમાફિયાઓ અને ગુનાહિત તત્વો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીધામના કિડાણા ગામે કુખ્યાત હિસ્ટ્રી શીટર મુસ્તાક કામસ નાગીયા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદે દબાણ આજે તોડી પાડવામાં આવ્યું હતું. લાંબા સમયથી આ શખ્સે સરકારી જમીન હડપ કરી ત્યાં પાકું બાંધકામ કરી દીધું હતું. વહીવટી તંત્ર અને પોલીસના કાફલાએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનો દ્વારા આ ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરી દીધું હતું.
ભૂમાફિયાઓમાં ફફડાટ
આ સપાટાબંધ કાર્યવાહી દરમિયાન તંત્રએ અંદાજે 1860 ચોરસ ફૂટ જેટલી કિંમતી સરકારી જમીનને દબાણમુક્ત કરાવી છે. આરોપી મુસ્તાક નાગીયા અગાઉ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે અને તેની હિસ્ટ્રી શીટ પણ ધરાવે છે, ત્યારે તેના દ્વારા કરાયેલા આ દબાણને હટાવીને તંત્રએ કડક સંદેશ આપ્યો છે. આ કામગીરીને પગલે સ્થાનિક ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આવા અન્ય દબાણો પર તંત્રની ગાજ પડશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
