કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં આજે વહેલી સવારથી જ પ્રશાસન દ્વારા 'બુલડોઝર' કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના ભારત નગર વિસ્તારમાં રેલવે લાઇનને અડીને આવેલા ગેરકાયદે દબાણોને હટાવવા માટે મહાનગરપાલિકા અને રેલવે વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે.
95થી વધુ કાચા દબાણો દૂર કરાયા
ગાંધીધામ નગરપાલિકા દ્વારા ભારત નગર વિસ્તારમાં રેલવે લાઇન પાસે સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાચા મકાનો અને ઓરડીઓનું દબાણ માલૂમ પડ્યું હતું. આ દબાણોને કારણે રેલવે સુરક્ષા અને ટ્રાફિકને પણ અડચણ થતી હતી. આજે જેસીબી મશીનોની મદદથી 95થી વધુ ગેરકાયદે કાચા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.
અગાઉ અપાઈ હતી નોટિસ
તંત્ર દ્વારા આ કાર્યવાહી ઓચિંતી કરવામાં આવી નથી. ગાંધીધામ નગરપાલિકાએ 10 દિવસ પહેલા જ આ વિસ્તારના દબાણકર્તાઓને નોટિસ પાઠવી હતી. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, નિર્ધારિત સમયમાં જો દબાણો જાતે દૂર કરવામાં નહીં આવે, તો તંત્ર દ્વારા કડક હાથે ડિમોલિશન કરવામાં આવશે. સમયમર્યાદા પૂર્ણ થતા જ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
તંગદિલી ટાળવા પોલીસ બંદોબસ્ત
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા દબાણકર્તાઓ દ્વારા વિરોધ ન કરવામાં આવે તે માટે ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. જોકે, નોટિસ અગાઉ મળી ચૂકી હોવાથી કોઈ મોટો હોબાળો થયો ન હતો અને શાંતિપૂર્ણ રીતે દબાણો દૂર કરાયા હતા.
આ પણ વાંચો:Ahmedabad: વેજલપુરમાં 'ફ્રી ફાયર' ગેમની લત સગીરાને ભારે પડી, પશ્ચિમ બંગાળનો યુવક ઘરે આવી દુષ્કર્મ આચરી ભગાડી ગયો