કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં સામે આવેલા મહાકાય સાયબર ફ્રોડમાં પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે. સાયબર પોલીસે આ મલ્ટી-કરોડ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. આ મામલો સામાન્ય છેતરપિંડીનો નથી, પરંતુ ₹182 કરોડ જેટલી જંગી રકમનું આર્થિક કૌભાંડ છે.
સાયબર પોલીસે વધુ એક આરોપી ઝડપ્યો
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં પોતાની જાળ બિછાવી હતી. ડિજિટલ માધ્યમો અને ફેક બેંક એકાઉન્ટ્સ દ્વારા લોકો સાથે ઠગાઈ આચરવામાં આવતી હતી. અગાઉ આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓની પૂછપરછમાં યુવરાજ સિંહનું નામ ખુલતા પોલીસે તેને દબોચી લીધો છે. ગાંધીધામ સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મની ટ્રેલના આધારે આ સફળતા મેળવી છે.
